Address by Dr Meenesh Shah, Chairman, NDDB at launch of Honey and Distribution of Beekeeping equipment by Valsad Beekeeper's FPO - 16 June 2023

Launch of Honey and Distribution of Beekeeping equipment

by Valsad Beekeepers’ FPO

16th June 2023

Address by Dr Meenesh Shah, Chairman, NDDB

 માનનીય, ચેરમેન વસુધારા ડેરી , શ્રી ગમનભાઇ પટેલજી

માનનીય ,મેનેજિંગ ડિરેક્ટર , શ્રી એન.બી.વશીજી

માનનીય ,નાયબ બાગાયત નિયામક, શ્રી દિનેશ પદાળિયા જી

વસુધારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ

FPO ના અધિકારીગણ

વલસાડ જિલ્લાના મધમાખીપાલક ખેડૂત ભાઈઓ તથા બહેનો

===============================================

આજે વલસાડ વિભાગ મધમાખીપાલકોની મંડળી દ્વારા ઉત્પાદિત “વસુધારા મધ” વેચાણના શુભારંભ કાર્યક્રમ નિમિત્તે, આપ સૌની વચ્ચે હાજર રહીને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.      

જો આપણે મધમાખીઓના જીવન પર નજર કરીએ, તો આપણે જોશું કે તેમના જીવનમાં બે વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ, સંગઠન - તમે જોયું હશે કે મધમાખીઓ કેવી રીતે ગોઠવાય છે અને તેમના મધપૂડામાં રહે છે. બીજું છે, સંયુક્ત પ્રયાસો, વર્કર મધમાખી હોય, ડ્રોન હોય કે રાણી હોય, તેમનો સંયુક્ત પ્રયાસ જ તેમને આગળ લઈ જાય છે અને આજની આ ઘટના ચોક્કસપણે વસુધારા ડેરી અને ડેરી દ્વારા બનાવેલા હની FPOના હિતધારકો, મધમાખી પાલકો તથા  ખેડૂતોના સંગઠિત અને સંયુક્ત પ્રયાસને જ દર્શાવે છે.

આટલી મોટી સંખ્યામાં અહીં તમારી હાજરી માત્ર આપણા ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ અને માનવ જીવન માટે આ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ પ્રત્યે તમારો ઉત્સાહ દર્શાવે છે. હું આ સફળ પ્રયાસ માટે વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક  સંઘને અભિનંદન પાઠવું  છું.

વલસાડ દૂધ સંઘ  (વસુધારા ડેરી), જે આપણી દક્ષિણ ગુજરાતની એક મોટી ડેરીઓમાંની એક ડેરી છે, તેણે વલસાડ  જિલ્લાના ધરમપુર  તાલુકામાં CBBO ના રૂપમાં, હની FPO ની રચનાને પ્રોત્સાહન આપ્યું અને 300થી પણ વધુ સભ્યો તેમાં જોડાયા છે તેમજ વસુધારા ડેરી આજે તે FPO  ના ખેડૂતો માટે  “વસુધારા” બ્રાન્ડના નામે ઉત્પાદિત મધ માટે માર્કેટિંગની વ્યવસ્થા પૂરી પાડી રહી છે, તે આપણા સૌ માટે અને ખાસ કરીને વસુધારા ડેરીના ખેડૂતો માટે ગર્વની વાત છે.

જેમ ડેરી સહકારી સંસ્થાઓએ દૂધનું સંકલન, પ્રોસેસિંગ અને માર્કેટિંગની શ્રેષ્ઠ મૂલ્ય શૃંખલા (વેલ્યુ ચેન) સ્થાપિત કરી છે, તેવી જ રીતે મધ માટે પણ FPO ના માધ્યમથી મૂલ્ય શૃંખલા સ્થાપિત કરવાના પ્રયત્નો દેશમાં થઈ રહ્યા છે.

મને જણાવીને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે કે વલસાડ હની FPO એ ગુજરાતનું સૌપ્રથમ હની FPO હશે જે ઇટાલિયન મધમાખી અને કૂંચી મધમાખીનું એમ બંને પ્રકારના મધનું ઉત્પાદન અને વેચાણ કરશે.

મધમાખી ઉછેરમાં ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને સ્થાનિક બજારમાં સહકારી નેટવર્કની હાજરીથી, મધમાખી ઉછેર કરનારાઓને લાભકારી ભાવો મળશે અને ગ્રાહકોને વાજબી દરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પણ મળશે.

સહકારી સંસ્થાઓ દ્વારા દેશમાં દૂધ ક્રાંતિ આ સંદર્ભમાં સૌથી મોટું ઉદાહરણ છે. તમે બધા સંમત થશો કે શ્વેત ક્રાંતિએ ગામમાં દૂધના વ્યવસાયના રૂપમાં એક નવી અર્થવ્યવસ્થા ઊભી કરી, અને ગામમાં સ્વરોજગારનો નવો આયામ સ્થાપ્યો અને એ જ તર્જ પર આપણા માનનીય વડાપ્રધાને દેશભરમાં મધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે હાકલ કરી છે અને દેશમાં 'શ્વેત ક્રાંતિ' જેવી 'મીઠી ક્રાંતિ’ લાવવાનું વિઝન આપ્યું છે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) હંમેશા ખેડૂતો માટે નવી નફાકારક આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે અને વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક વધારવા અને તેમના જીવનધોરણમાં સુધારો કરવાનો પ્રયાસ સતત કરતી રહી છે.

અમારું માનવું છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રગતિ ત્યારે જ થશે જ્યારે આપણે ગામનાં લોકોમાં, ખાસ કરીને આપણા ગ્રામીણ યુવાનોમાં એવી ક્ષમતા પેદા કરી શકીશું કે તેઓ ખેતી, બાગાયત, પશુપાલન કે અન્ય કોઈપણ ક્ષેત્રનો ઉપયોગ કરી રોજગારી મેળવી શકે. આપણે સારી રીતે જાણીએ છીએ કે દૂધ ઉત્પાદક હોય કે ખેડૂત, આજના યુગમાં તેમને 'આવકના બહુવિધ સ્ત્રોતો' પૂરા પાડવા જરૂરી છે. મધમાખી ઉછેર એક પ્રવૃત્તિ તરીકે આમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં વલસાડ દૂધ સંઘ આ સંદર્ભમાં ઉત્તમ ઉદાહરણ છે. વલસાડ દૂધ સંઘે માત્ર મધ જ નહીં પરંતુ ખેડૂતોના અન્ય ઘણા ઉત્પાદનો જેમ કે કેરી, વિવિધ પ્રકારના કઠોળ વગેરેને આધુનિક બજાર-વ્યવસ્થા સાથે જોડ્યા છે.

વૈજ્ઞાનિક મધમાખી ઉછેર એ એક એવી પ્રવૃત્તિ છે જે ખેડૂતોને માત્ર મધના ઉત્પાદનમાંથી જ નહીં પરંતુ મધમાખી, પ્રોપોલિસ અને મધમાખીના ઝેર વગેરે જેવા અન્ય ઉત્પાદનોમાંથી પણ વધારાની આવક પૂરી પાડે છે. બીજી મહત્વની બાબત એ છે કે કૃષિ અને બાગાયતી પાકોના ક્રોસ-પોલિનેશન( પર પરાગનયન) દ્વારા ઉત્પાદન વધારવામાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂમર્ણ છે.

અમે જોયું છે કે વસુધારા ડેરી, તેમની વ્યાપક પહોંચ અને ખેડૂતો સાથેના જોડાણને કારણે, ગ્રામીણ વિસ્તારોમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્ષમ માધ્યમ બની શકે છે અને આ ક્રમમાં, NDDB દ્વારા પણ રાષ્ટ્રીય મધમાખી બોર્ડના (NBB) સહયોગથી દેશના ડેરી નેટવર્ક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન હેઠળ સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતો મધમાખી ઉછેરમાં પૂરતા પ્રમાણમાં નિપુણ અને કુશળ બની શકે, જેથી આ વ્યવસાય અપનાવવામાં કોઈપણ નિષ્ફળ ન નીવડે. આનંદની વાત છે કે અમને આમાં દેશભરના દૂધ સંઘોનો સક્રિય સહકાર મળ્યો છે.

આ કાર્યક્રમોમાં અમે સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ/બાગાયત યુનિવર્સિટી, વિસ્તારના પ્રગતિશીલ મધમાખી ઉછેર કરનારાઓ, NBBના સભ્ય મંડળોને પણ સામેલ કરી રહ્યા છીએ, જેથી ખેડૂતોને શ્રેષ્ઠ કુશળતા ઉપલબ્ધ થાય. અત્યાર સુધીમાં લગભગ 4000 ખેડૂતોને સાંકળીને 80 થી વધુ તાલીમ કાર્યક્રમો/સેમિનાર યોજવામાં આવ્યા છે.

NDDB ખાતે કૃષિ મંત્રાલયની નાણાકીય સહાયથી એક ઉચ્ચ સ્તરીય મધ પરીક્ષણ માટે CALF પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અમને ગર્વ છે કે તમામ મધ પરીક્ષણ સુવિધાઓ હવે ભારતીય મધમાખીપાલકો માટે ઉપલબ્ધ છે.

સાથોસાથ અમે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન હેઠળ ડેરી સહકારી સંસ્થાઓને મધ પ્રોસેસિંગ અને પરીક્ષણ સુવિધાઓ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

આગામી સમયમાં, NDDB સમગ્ર દેશમાં મધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા NBBની મદદથી માળખાગત વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરશે. આ માટે અમે NBB સાથે સતત સંપર્કમાં છીએ. દૂધ અને દૂધની બનાવટોમાં મધના ઉપયોગને પ્રોત્સાહિત કરવા NDDB નવીન ડેરી ઉત્પાદનો નાં વિકાસ પર પણ કામ કરી રહ્યું છે.

આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ગામડાઓમાથી ઘણા ખેડૂત ભાઈઓ અને બહેનો અહીં હાજર છે. દક્ષિણ ગુજરાતમાં, નારિયેળ, સરગવો, કરંજ, અરડૂસો, કોથમીર, તુવેર, અડદ, જાંબુ, ચણા, રાયડો વગેરેની ખેતી કરવામાં આવે છે. આ તમામ પાક મધમાખીઓને અમૃત અથવા પરાગ પૂરા પાડવામાં ખૂબ મદદરૂપ છે અને મધમાખી ઉછેર માટે ખૂબ જ યોગ્ય છે. આવા વિસ્તારોમાં ફૂલોના સમયે મધમાખીઓને સ્થાનાંતરિત કરીને સારું મધ ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત, સિંચાઈની ઉપલબ્ધતાને કારણે બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર પણ વધ્યો છે, જે મધમાખી ઉછેરને વેગ આપશે.

સમગ્ર દેશમાં મધમાખી ઉછેરની અપાર શક્યતાઓ છે. મને આનંદ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિકાસના વિવિધ કાર્યક્રમોને મધમાખી ઉછેર સાથે સાંકળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ચોક્કસ તે સારા પરિણામો લાવશે.

નિષ્કર્ષમાં હું એટલું જ કહેવા માંગુ છું

બધા હિતધારકોએ ઉત્સાહ સાથે પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે જેથી કરીને આપણે ડેરી સેક્ટર અને મધમાખી ઉછેર ક્ષેત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો/મહિલાઓને આજીવિકાની મહત્તમ તકો પૂરી પાડવામાં સફળ રહી શકીએ.

હું તમને બધાને ખાતરી આપું છું કે NDDB, NBB, દૂધ સંઘો અને અન્ય તમામ હિતધારક સંગઠનો દ્વારા દેશમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ રાખવામા આવશે. ચોક્કસપણે આપણા બધાનો આ સંયુક્ત પ્રયાસ ગુજરાતમાં મધમાખી ઉછેર ક્ષેત્રને વધુ વેગ આપશે અને ગુજરાતમાં મધમાખી ઉછેરને એક સ્વતંત્ર સાહસ તરીકે વિકસાવવામાં મદદ કરશે.

 

આભાર